હું મારી હયાતી નિભાવ્યા કરું છું
સમયની દિવાલે ચણાયા કરું છું
ઘણા માર્ગ છે પણ જવું કંઈ દિશાએ?
મથામણમાં પાસેનું ખોયા કરું છું
હકીકત હથેળીથી સરકી રહી છે
ધુમાડાને મુઠ્ઠીમાં પકડ્યા કરું છું
વીતેલી પળોને ફરી માણવાને
વસંતોને નાહક વગોવ્યા કરું છું
બરફના પહાડો સમી જિંદગીમાં
સ્વયં ઓગળું છું ને ચાલ્યા કરું છું
ભર્યુંભાદર્યું ઘર ને હું તો અજાણ્યો
અજબ છે તમાશો: નિહાળ્યા કરું છું